વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સુરત ઝોન કક્ષાની “શ્રી અન્ન” (મિલેટ્સ) સ્પર્ધા યોજાઈ.
--- નાગલીની બરફી સાથે વલસાડ પ્રથમ ક્રમે, મિક્ષ મિલેટ્સની થુલી સાથે નવસારી બીજા ક્રમે અને મિલેટ્સ થાળી સાથે ભરૂચ ત્રીજા ક્રમે વિજેતા
--- દક્ષિણ ગુજરાતમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ૨૪ આંગણવાડી કાર્યકરોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો
--- મિલેટ્સની વાનગીઓ ફક્ત સ્પર્ધા સુધી જ સીમિત ન રાખી આંગણવાડીના લાભાર્થીઓ સુધી પહોંચાડવા પ્રયત્નો કરવા કલેકટરશ્રીએ અપીલ કરી
--- જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ બહેનોને પ્રોત્સાહિત કરી વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપ્યા
--- “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત”ની થીમ સાથે પોષણ માસ ૨૦૨૩નો શુભારંભ કરાયો.
ભારતની પરંપરાગત ખેત પેદાશો(શ્રી અન્ન)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને સુરત ઝોનના આઇસીડીએસના વિભાગીય નાયબ નિયામકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા ઝોન કક્ષાનો “શ્રી અન્ન”(મિલેટ્સ) સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્પર્ધામાં સુરત ઝોનના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, ભરૂચ, ડાંગ, સુરત ગ્રામ્ય, સુરત અર્બન એમ કુલ આઠ જિલ્લાની જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધામાં વિજેતા થયેલા ૧,૨,૩ ક્રમાંકના ૨૪ આંગણવાડી કાર્યકરોએ મિલેટ્સમાંથી બનતી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પૈકી ઝોન કક્ષાએ પ્રથમ ક્રમે વલસાડ જિલ્લાની નાગલીની બરફી, દ્વિતીય ક્રમે નવસારી જિલ્લાની મિક્ષ મિલેટ્સની થુલી, તૃતિય ક્રમે ભરૂચ જિલ્લાની મિલેટ્સ થાળી (સ્ટાર્ટર ટુ ડેઝર્ટ) બનાવનાર આંગણવાડી કાર્યકરોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આંગણવાડી કાર્યકર બહેનોને જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સંબોધન કરી મિલેટ્સની વાનગીઓ ફક્ત સ્પર્ધા સુધી જ સીમિત ન રાખી પોતાના અને આંગણવાડીના લાભાર્થીઓ સુધી ઉપયોગમાં લેવામાં આવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોને સારી કામગીરી માટે શુભેચ્છા પાઠવી આઇસીડીએસ સિવાયના વિભાગોની કામગીરી બાબતે પ્રોત્સાહિત કરી વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આઇસીડીએસ શાખાના સુરત ઝોનના વિભાગીય નાયબ નિયામક કોમલબેન ઠાકોરે મિલેટ્સના મહત્વ વિશે સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં ડૉ. શ્રુતિ ઠક્કર (ડાયેટિશિયન), હોમ સાયન્સ કોલેજના પ્રોફેસર સોનલ રાવલ, અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અદિતિ આચાર્ય, સિવિલ હોસ્પિટલના એન.આર.સી. ન્યુટ્રીશન આસિસ્ટન્ટ સુષ્મા પટેલ, આરોગ્ય શાખાના પી.એ. ન્યુટ્રીશન સ્નેહલ બાર્ગજેએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં પોષણ માસ ૨૦૨૩ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષની પોષણ માસની થીમ “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત” છે. આ થીમને અનુલક્ષીને પોષણ માસમાં સામુદાયિક સ્તરે વર્તન પરિવર્તન માટે માત્ર ને માત્ર સ્તનપાન અને પૂરક આહાર, સ્વસ્થ બાળક સ્પર્ધા, પોષણ ભી પઢાઇ ભી, મિશન લાઇફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો, મારી માટી, મારો દેશ, આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સિટાઇઝેશન, ટેસ્ટ ટ્રીટ ટોક-એનિમિયા વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા ભારત સરકારનો કુપોષણને સર્વગ્રાહી રીતે નાથવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવી હતી. આભારવિધિ રાષ્ટ્રીય પોષણ અભિયાનના જિલ્લા કો-ઓર્ડીનેટર દર્શાલીબેન પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર નિલમ પટેલે કર્યુ હતું.
Credit: info Valsad gog
إرسال تعليق